આ વિસ્તારોમાં ખાબકશે ભારે વરસાદ, જુલાઈમાં ચોમાસાની જમાવટ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. હવામાન ખાતાએ ગુજરાતમાં 10 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ જણાવ્યું છે કે, ગુજરાતમાં 10 જુલાઈ સુધી મેઘરાજા બરાબરની ધડબડાટી બોલાવશે. હવામાન વિભાગ બાદ હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે ખૂબ જ ડરામણી આગાહી કરી છે.
આ પણ વાચો: આજે ભયંકર મેઘ તાંડવ, 3 દિવસ અતિભારે વરસાદની આગાહી
આ વિસ્તારોમાં ખાબકશે ભારે વરસાદ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આગામી 36 કલાક ભારે વરસાદની સંભાવના છે. આગામી 36 કલાક પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. તેઓએ જણાવ્યું છે કે, આ સમયગાળા દરમિયાન સિદ્ધપુર, વડનગર સહિત આખા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. તો પૂર્વ ગુજરાતમાં દાહોદ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
નદીઓમાં પૂર આવશેઃ અંબાલાલ પટેલ
તેમણે કહ્યું છે કે, આગામી 8થી 12 જુલાઈ વચ્ચે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ વરસશે. જૂનાગઢ, વેરાવળ સહિતના વિસ્તારમાં હજુ 5 ઈંચથી વધુ વરસાદ નોંધાશે. કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદના કારણે બનાસકાંઠાની નદીઓમાં પૂર આવશે. આ સાથે નર્મદા, તાપી, રૂપેણ નદીમાં પૂરની આશંકા છે.
જુલાઈમાં ચોમાસાની જમાવટ રહેશે
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 11 જુલાઈ બાદ વરસાદમાં રાહત મળશે. પરંતુ તેના ચાર દિવસ બાદ એટલે કે 15 જુલાઈ બાદ ફરી એકવાર વરસાદ શરૂ થશે. જે લગભગ 20 જુલાઈ સુધી રાજ્યભરમાં એકધારો વરસાદ રહેશે. 24 થી 28 જુલાઈ દરમિયાન ફરી એકવાર ધોધમાર વરસાદ રહેશે.
હવામાન વિભાગે કરી છે આગાહી
અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા આજે જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પોરબંદર, ભાવનગર, અમરેલી, દ્વારકામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 2 દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેશે. રાજ્યના મોટાભાગના જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના છે. 3 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.