8 અને 9 જુલાઇ અતિભારે વરસાદ, જાણો કયા કયા વિસ્તારોમાં આગાહી – eavy rains on 8th and 9th July
રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારેથી અતિભારે અને તોફાની મૂડમાં વરસાદ તૂટી પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં સૌરાષ્ટ્રના ભાગોમાં અતિથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે રેડ એલર્ટ આપ્યું છે. અમદાવાદ સહિત રાજ્યના દક્ષિણ તથા ઉત્તર ભાગમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે.
આ પણ વાચો: પુનર્વસુ નક્ષત્ર: કયુ વાહન છે? આ નક્ષત્રમાં વરસાદ જોગ
7,8 અને 9 જુલાઈ ગુજરાત માટે ભારે
હવામાન વિભાગે કલર કોડ પ્રમાણે આગાહી કરીને કયા જિલ્લામાં કેવો વરસાદ થઈ શકે છે તેની આગાહી કરી છે. જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં તો અતિથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. 7, 8 અને 9 જુલાઈ ગુજરાત માટે ભારે રહી શકે છે. આ દરમિયાન સમગ્ર રાજ્યમાં વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે.
આજે હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જેમાં સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ સાથે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ માટે પણ યલો એલર્ટ આપ્યું છે.
8 તારીખના રોજ ગુજરાત માટે ભારે રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જુનાગઢ, ગીર સોમનાથ અને દીવ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર કચ્છના જામનગર અને ભાવનગર સિવાયના ભાગો માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ દિવસ આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ અપાયું છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
આ પણ વાચો: 3 દિવસ ભારે મેઘ તાંડવ, 7, 8 અને 9 તારીખમાં ભારે વરસાદની આગાહી
9 જુલાઈએ હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છના કચ્છ, પાટણ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય સૌરાષ્ટ્રના જામનગર અને મોરબી સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણાના જિલ્લાઓ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આ તારીખથી વરસાદના જોરમાં ઘટાડો થવાની આગાહી છે જેમાં સૌરાષ્ટ્રના ભાગોમાં લગભગ વરસાદ હળવો થઈ જવાની સંભાવના છે. પરંતુ કચ્છ, પાટણ અને બનાસકાંઠા માટે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
11 તારીખના રોજ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે પરંતુ તે બનાસકાંઠા અને પાટણ માટે જ છે. આ સિવાયના ભાગોમાં વરસાદ રહેવાની શક્યતાઓ છે પરંતુ જોર ઘણું ઘટી જશે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીનું કારણ આપતા અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર સર્ક્યુલેશન બનેલું છે, આ સાથે ઓફશોર ટ્રોફ પણ એક્ટિવ છે જેના કારણે ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. આ સિવાય પૂર્વપશ્ચિમનું શિયર ઝોન પણ આગળ વધવાની શક્યતાઓ છે જેની અસર પણ ગુજરાત પર રહેશે.