ગુજરાતમાં મેઘરાજા હમણાં ધડબડાટી નહીં બોલાવે, સર્ક્યુલેશન છતાં ભારે વરસાદની આગાહી નથી – no forecast of heavy rains
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે આગાહી કરવામાં આવી છે. જેમાં વરસાદનું જોર વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી નથી. હવામાન વિભાગે રાજ્યમાં મોટાભાગે હળવો અને કેટલાક ભાગમાં સામાન્ય વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી. પાછલા કેટલાક સમયથી વરસાદે વિરામ લીધો છે ત્યારે ખેડૂતો ખેતી કામમાં લાગી ગયા છે. પરંતુ હવે તેમને સવાલ થઈ રહ્યો છે કે પિયત કરવું કે નહીં કારણ કે જો તેઓ પિયત કરી દે અને વરસાદ આવી જાય તો ખેતીને નુકસાન થઈ શકે છે.
આ પણ વાચો: ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે, અંબાબાલ પટેલની નવી આગાહી
અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતી દ્વારા શુક્રવારે જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં ભારે વરસાદની સંભાવના નથી. પરંતુ હળવો વરસાદ રહી શકે છે. આ સાથે તેમણે દક્ષિણ ગુજરાત પર બનેલી સિસ્ટમની પણ વાત કરી હતી. રાજ્યમાં હાલ વરસાદનું જોર ઘટ્યું છે તેવામાં તાપમાનમાં મોટો ફેરફાર નથી થયો પરંતુ ભેજના કારણે લોકો બફારો અને ઉકળાટનો અનુભવ દિવસ દરમિયાન કરી રહ્યા છે.
ડૉ. મોહંતીએ શુક્રવારે જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ (15 ઓગસ્ટ સુધી) હળવો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ સાથે એકાદ જગ્યા પર સામાન્ય વરસાદ પણ વરસી શકે છે. હાલ રાજ્યના દક્ષિણ ભાગમાં અપર લેવલ પર સર્ક્યુલેશન છે જેની અસર જોવા મળી રહી છે. જેનું લેવલ 500 મીલીબાર છે. આ કારણે ગુજરાતમાં વરસાદ રહી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર માટેની આગાહી કરીને ડૉ. મોહંતીએ જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રમાં એકાદ-બે જગ્યાઓ પર વરસાદ થવાની સંભાવનાઓ છે. પાંચ દિવસની આગાહીમાં માછીમારો માટે ચેતવણી માત્ર 13 તારીખ માટે આપવામાં આવી છે. જેમાં પણ ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના માછીમારો માટે ચેતવણી આપવામાં આવી છે.
અમદાવાદ-ગાંધીનગર માટે આગાહી કરવામાં આવી છે જેમાં પણ હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે, સતત વરસાદ રહેવાની સંભાવનાઓ નથી પરંતુ ટૂંકા સમય માટે વરસાદ થયા બાદ વાદળો પસાર થઈ જવાથી વરસાદ અટકી જશે. અહીં ચારથી પાંચ હળવા વરસાદના સ્પેલ રહેવાની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં ભેજના કારણે હાલ બફારો અનુભવાઈ રહ્યો છે. જોકે, બીજી તરફ વાદળછાયું વાતવરણ રહેવાથી તાપમાનમાં પણ ઘટાડો થયો છે. રાજ્યમાં શુક્રવારે સૌથી ઊંચું તાપમાન ભાવનગરમાં 34 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે વલ્લભ વિદ્યાનગરમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. આ સિવાય અમદાવાદ સહિતના વડોદરા, રાજકોટ, કંડલા (એરપોર્ટ) અને વલસાડમાં 32 ડિગ્રી તાપમાન નોંધાયું છે.