રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને ગરમી વધશે? જાણો હવામાન વિભાગની આગાહી – Will the rain fall in the state and the heat will increase Know the weather forecast
રાજ્યમાં હાલ મેઘરાજા આરામમાં છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ બંગાળની ખાડીની સિસ્ટમને આધારે નક્કી થતો હોય છે. ત્યારે હાલ ત્યાં કોઇ સિસ્ટમ સક્રિય નથી. ત્યારે આ રાજ્યમાં વરસાદ અંગે અમદાવાદ હવામાન વિભાગે જણાવ્યુ છે કે, રાજ્યમાં આગામી સમયમાં વાતાવરણમાંથી ભેજ ઘટતા બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઇ શકે છે. ભારે વરસાદની ક્યાંય પણ આગાહી નથી
અમદાવાદ હવામાન કેન્દ્રનાં વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે, સોમવારે બપોરે આગાહી કરતા જણાવ્યુ છે કે, દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમા નવસારી,વલસાડ તાપી, દમણ અને ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠામાં સામાન્યથી હળવા વરસાદ વરસી શકે છે. તેમણે સૌરાષ્ટ્ર અંગે જણાવ્યુ કે, ત્યાંના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં જુનાગઢ, ગીર સોમનાથ, દીવમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે.હાલ દક્ષિણ ગુજરાતમાં ભેજના કારણે વરસાદ થઇ રહ્યો છે.
સોમવારે હવામાન વિભાગે એમ પણ જણાવ્યુ હતુ કે, કચ્છમાં આગામી સાત દિવસ વરસાદની શક્યતા નહિવત છે. ત્યાંનું વાતાવરણ શુષ્ક રહેશે. વરસાદને લઈને હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી.
આ સાથે એમ પણ જણાવ્યુ છે કે, આગામી સમયમાં વાતાવરણમાં ભેજ ઘટતા તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઇ શકે છે. અમદાવાદમાં આજે 34.5 ડિગ્રી તાપમાન છે. હાલ રાજ્યમાં 94.5 ટકા વરસાદ પડ્યો છે.
સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂન બાદ ચોમાસાની શરૂઆત થાય છે અને જૂન મહિનામાં વરસાદ ઓછો પડે છે. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં સૌથી વધારે વરસાદ પડે છે. પરંતુ આ વખતે પરિસ્થિત થોડી અલગ જ હતી. આ વર્ષે જુલાઈ મહિનામાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો પરંતુ ઓગસ્ટ મહિનામાં વર્ષો બાદ સૌથી ઓછો વરસાદ પડ્યો હતો.