આ કારણોના લીધે ગુજરાતમાંથી વરસાદ ખેંચાયો! હવે આગામી દિવસોમાં શું થશે? – ambalal patel rain was drawn from Gujarat
અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા રાજ્યનું હવામાન કેવું રહેવાનું છે તે અંગે વાત કરી છે, જે અંગે ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, આગામી પાંચ દિવસ ગુજરાતમાં વધુ વરસાદની કોઈ શક્યતાઓ નથી. સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ છૂટોછવાયો હળવો વરસાદ થઈ શકે છે. જે બાદ હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે. હાલ રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ ન હોવાના કારણે ભારે વરસાદની શક્યતાઓ નથી. આ સાથે અલનીનોની અસર હોવાની પણ વાત હવામાન વિભાગે કરી છે. સિસ્ટમો ગુજરાતની નજીક આવીને ફંટાઈ રહી છે જેના કારણે પણ રાજ્યમાં જોઈએ તેવો વરસાદ થઈ રહ્યો નથી.
ડૉ. મોહંતી જણાવે છે કે, ઉત્તર ગુજરાતમાં પણ બે દિવસમાં હવામાન સૂકું થવાની શક્યતાઓ છે, જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપીમાં છૂટોછવાયો હળવો વરસાદ થઈ શકે છે. હાલ ગુજરાતમાં કોઈ વરસાદની સિસ્ટમ એક્ટિવ નથી. જોકે, હાલ ભેજના કારણે હળવો વરસાદ થવાની શક્યતાઓ છે.
હવામાન વિભાગે 24 કલાક દરમિયાન ગુજરાત રિજન (સૌરાષ્ટ્ર-કચ્છ સિવાય)માં ઉત્તર ગુજરાતથી દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો હળવો વરસાદ રહેવાની શક્યતાઓ જોવાઈ રહી છે. મોટાભાગે હળવો વરસાદ રહેવાની સંભાવનાઓ છે પરંતુ એકાદ જગ્યા પર સામાન્ય વરસાદ થઈ શકે છે.
અમદાવાદ અંગે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરીને ડૉ. મોહંતીએ જણાવ્યું કે, અમદાવાદમાં પણ એક-બે દિવસ છૂટોછવાયો હળવો વરસાદ રહી શકે છે. આ સાથે આખા જિલ્લામાં હળવો વરસાદ રહેવાની શક્યતાઓ નથી પરંતુ એકાદ-બે જગ્યાઓ પર હળવો વરસાદ થઈ શકે છે.
અત્યાર સુધીમાં ગુજરાતમાં સિઝનનો જે વરસાદ થયો છે તેમાં 23 ટકા વધુ વરસાદ થયો છે. જ્યારે સિઝનનો 95 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. અલનીનોની અસર અને અરબી સમુદ્ર પણ એક્ટિવ નથી, આ સાથે બંગાળની ખાડીમાં જે કોઈ સિસ્ટમ બની રહી છે તે મોટાભાગે ઉત્તર તરફ ગતિ કરી રહી છે, જેના કારણે ગુજરાતમાં હાલ જોઈએ તેટલો વરસાદ થઈ રહ્યો નથી. હવામાન વિભાગે વરસાદમાં ઘટાડાની વાત કરીને તાપમાનમાં વધારો થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે.