ગુજરાતમાં હવામાન વિભાગે આજે આ વિસ્તારોમાં વરસાદ વરસવાની આપી છે આગાહી – Gujarat has forecast rain in these areas today
અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે રાજ્યના વાતાવરણ અંગે આગાહી કરતા જણાવ્યું કે, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી અને અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ સાથે તેમણે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ કરી છે.\
આજે ક્યાં ક્યાં વરસાદ વરસશે?
આજે ક્યાં ક્યાં વરસાદ વરસશે તે અંગે તેમણે અનુમાન કરતા જણાવ્યુ હતુ કે, આજે દક્ષિણ ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદ, ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, ગાંધીનગર અને અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
આવતી કાલે ક્યાં ક્યાં વરસાદ વરસશે?
આ સાથે તેમણે મંગળવારના રોજ વરસાદ અંગે આગાહી કરતા જણાવ્યુ કે, વરસાદ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર સુધી સિમિત રહેશે. દક્ષિણના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.
આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, વરસાદના વિરામ બાદ વરસાદ પડવા પાછળનું કારણ લો પ્રેશર એરિયા છે. સેન્ટ્રલ પાર્ટ ઓફ નોર્થ મધ્યપ્રદેશમાં લો પ્રેશર એરિયા બન્યું હોવાના કારણે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ભેજ છે અને વાદળ બંધાયા છે. તેથી વરસાદ થઇ રહ્યો છે.
બીજી બાજુ, ભારે વરસાદ અંગે વાત કરતાં તેમણે જણાવ્યુ કે, હાલ રાજ્યમાં ભારે વરસાદની કોઇ ચેતવણી નથી. હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ભારે વરસાદની શક્યતા નથી. ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારો અને માછીમારો માટે પણ કોઇ ચેતવણી નથી.
અંબાલાલ પટેલની આગાહી
બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અંગેની આગાહી કરતા જણાવ્યુ છે કે, ઓગસ્ટ માસમાં વરસાદ ખેંચાયો છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતા થવી સ્વાભાવિક છે. પરંતુ 21મી તારીખ સુધીમાં રાજ્યનાં વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા દેખાઇ રહી છે. અંબાલાલે એમ પણ જણાવ્યુ કે, ઉત્તર ગુજરાતમાં મહેસાણા, ચણાસમા, વડનગર, હારીજ અને કડી તથા આજુબાજુના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત સાબરકાંઠાના હિમતનગર, પ્રાંતીજ, બાયડ, મોડાસાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જ્યારે દહેગામ, ગાંધીનગર, અમદાવાદ અને વિરમગામના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે.