ખુશીના સમાચાર: કાલથી વરસાદનું જોર વધશે, ભારે વરસાદની પણ આગાહી – heavy rains also forecast
રાજ્ય માટે ઓગસ્ટ મહિનો ચોમાસાની દ્રષ્ટિએ ડ્રાઇ રહ્યો છે. છૂટાછવાયા વરસાદ સિવાય મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો નથી. જેના કારણે ખેડૂતોની ચિંતા પણ વધી છે. પરંતુ હવામાન વિભાગની નવી આગાહી ખેડૂતોને રાહત આપનારી છે. કેમ કે, આવતીકાલથી જ વરસાદનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અત્યાર સુધી વરસાદી સિસ્ટમ સક્રીય ન હોવાને લીધે ચિંતા વધી હતી, પરંતુ હવે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આજે અમુક સ્થળોએ વરસાદ થઇ શકે છે. કાલથી વરસાદી ગતિવિધિ થોડી વધવાની સંભાવના છે. જ્યારે 20મી ઓગસ્ટે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે.
આ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે. જ્યારે એકાદ જગ્યાએ ભારે વરસાદ પણ થઇ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાઓ વિશે પૂછતાં તેમણે જણાવ્યું કે, હાલ રાજ્યમાં મોટાભાગે ભારે વરસાદની સંભાવના ઘણી ઓછી છે. જ્યારે વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુરમાં ભારે વરસાદની થઇ શકે છે.
આવતીકાલે દક્ષિણના જિલ્લાઓમાં અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓ એટલે કે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે.
20મી તારીખે ગુજરાતના મોટાભાગના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓના અમુક ભાગોમાં હળવા વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગના એલર્ટ મુજબ શનિવારે પૂર્વ મધ્ય પ્રદેશ અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.