ગુજરાતના ખેડૂતોએ હાલ પિયત કરવું કે નહીં? અંબાલાલ પટેલની સલાહ – Advice from Ambalal Patel
રાજ્યમાં વરસાદની રાહ જોવાઈ રહી છે. પરંતુ સારો વરસાદ આવે તેવા કોઈ એંધાણ દેખાઇ નથી રહ્યા. કારણ કે, હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી. લોકલ સિસ્ટમના કારણે માત્ર વરસાદી ઝાંપટા આવશે. ઓગસ્ટમાં તો સારો વરસાદ થયો નથી પરંતુ સપ્ટેમ્બરમાં પણ સારા વરસાદના એંધાણ દેખાતા નથી. ઓગસ્ટના 23 દિવસથી વરસાદ ખેચાયો છે. પિયત કરવુ જરૂરી બની ગયુ છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતોને વરસાદની રાહે ન બેસી રહેવાનું જણાવ્યુ છે. રાજ્યમાં સારો વરસાદ આપે તેવી કોઈ સિસ્ટમ નથી.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યુ છે કે, અલનિનોની અસરના કારણે વરસાદની સ્થિતિ બરાબર રહી શકશે નહીં. સિસ્ટમ નથી બની રહી છતાં કોઈકોઈ સ્થાનિક ગતિવિધીના કારણે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહેશે.
તેમણે વધુમાં જણાવ્યુ કે, તારીખ 24થી 26 ઓગસ્ટના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે હળવા ઝાંપટા પડવાની શક્યતા રહેશે. 29થી 31 ઓગસ્ટના વરસાદી ઝાંપટા વધશે. 29 ઓગસ્ટ આસપાસ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. પરંતુ 31 ઓગસ્ટ આસપાસ હોંગકોગ બાજુ બનતુ ચક્રવાત બંગાળના ઉપસાગરનો ભેજ ખેંચશે.
આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ ખેંચી લેશે એટલે ભારતના ચોમાસાને કમજોર કરતું જણાશે. ચક્રવાત 3થી 4 સપ્ટેમ્બરમાં બંગાળની ખાડીમાં આવીને લો પ્રેશર સર્જાવવાની શક્યતા રહેશે. એટલે ભારતનું ચોમાસું 29 ઓગસ્ટથી સપ્ટેમ્બરની શરુઆતમાં કાંઈક અંશે સક્રિય થઇ શકે છે.
અંબાલાલ પટેલે વધુમા એમ પણ જણાવ્યુ છે કે, પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાંથી આવતા સ્ટ્રોમ ભારતની મોસમને પ્રભાવિત કરી શકે તેવુ અનુમાન છે. 9થી 11 સપ્ટેમ્બરમાં ઝાંપટા પડશે. 13 સપ્ટેમ્બરથી ગરમી વધશે અને કોઈ કોઈ ભાગમાં ઝાંપટા પડશે. આ ઝાંપટા 19 થી 20 સપ્ટેમ્બર સુધી પડી શકે છે. 26થી સપ્ટેમ્બર સુધી 10 ઓક્ટોબર સુધીમાં કોઈ કોઈ ભાગમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
આ અરસામાં હિંદ મહાસાગરનુ વેધર સિસ્ટમ કઈક અંશે સાનુકુળ બનતા વરસાદી ઝાપટા આવી શકે. હાલ તો કૃષિ પાકને જરૂર હોય તો પિયત કરી દેવુ સારુ રહેશે. કારણ કે કોઈ સિસ્ટમ નથી અને લોકલ સિસ્ટમથી માત્રા મધ્યમથી ભારે ઝાંપટા આવી શકે.