અંબાલાલ પટેલ vs હવામાન વિભાગ: એક કહે છે વરસાદ નહીં પડે તો બીજાની ધોધમાર વરસાદની આગાહી – Ambalal Patel vs Meteorological Department
રાજ્યમાં છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ચિંતામાં દેખાયા હતા. ત્યારે ઓગસ્ટ મહિનામાં નહિવત્ વરસાદ પડતા ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. ત્યારે હવે સપ્ટેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે છતાં વરસાદના કોઇ ઠેકાણા નથી. જેને લઇને ખેડૂતો ભારે ચિંતામાં મૂકાયા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, ટૂંક સમયમાં પણ વરસાદ રાહત આપશે, તેવા કોઇ સંકેત મળી રહ્યા નથી. આગામી સાત દિવસ દરમિયાન પણ વરસાદ નિરાશ કરશે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, ‘આગામી સપ્તાહ દરમિયાન ગુજરાતમાં વરસાદ નહિવત્ હશે. સાત દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની કોઈ સંભાવના નથી. અત્યારે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદને લઇને કોઈ સંભાવના જોવા મળતી નથી.’
અભિમન્યુ ચૌહાણે કહ્યુ હતુ કે, ‘સાત દિવસ દરમિયાન સાઉથ ગુજરાતના અમુક ભાગોમાં હળવા વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, નવસારી, ડાંગ, દમણના અમુક ભાગમાં સામાન્ય વરસાદની સંભાવના છે. આ ઉપરાંત સાત દિવસ દરમિયાન આ ભાગોમાં જ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. અમદાવાદમાં પણ ઘણાં લાંબા સમયથી વરસાદની રાહ જોવાઇ રહી છે. આગામી સાત દિવસ દરમિયાન અમદાવાદમાં પણ વરસાદની સંભાવના નથી.’
ગુજરાતમાં વરસાદ ન પડવા પાછળ સક્રિય સિસ્ટમનો અભાવ માનવામાં આવે છે. સક્રિય સિસ્ટમ ન હોવાના કારણે ગુજરાતમાં વરસાદ થઇ રહ્યો નથી, ત્યારે આગામી સમયમાં ક્યારે સક્રિય સિસ્ટમ સર્જાશે તેના વિશે પણ હવામાન વિભાગ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. અભિમન્યુ ચૌહાણે જણાવ્યુ હતુ કે, ‘આગામી એક સપ્તાહ સુધી કોઇપણ પ્રકારની સિસ્ટમ બનવાની સંભાવના ખૂબ જ ઓછી છે. કોઈ ચોક્કસ સિસ્ટમ દેખાતી નથી, તેથી જ વરસાદ સાવ નીચલા સ્તરે રહેવાની સંભાવના છે.’
અંબાલાલ પટેલની આગાહી
તો બીજી તરફ, અંબાલાલ પટેલે ખેડૂતોને ખુશખબર આપ્યાં છે. વરસાદની આતુરતાથી રાહ જોતા ખેડૂતોને હવે રાહત થશે. હજુ ચોમાસાએ વિદાય નથી લીધી. ત્યારે અંબાલાલ પટેલે ધોધમાર વરસાદની આગાહી કરી છે.
ઓગસ્ટથી મેઘરાજાએ જાણે વિદાય લીધી હોય તેવો માહોલ સર્જાયો છે. ઓગસ્ટ આખો કોરો ધાકોડ ગયા બાદ ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. પાક સૂકાઈ રહ્યો છે. હવે અન્નદાતા બે હાથ જોડી રસ્તો ભૂલી ચુકેલા મેઘરાજાને ફરી પધારવા વિનંતી કરી રહ્યા છે. ત્યારે ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ધોધમાર વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે, ચોમાસુ હજુ ગયું નથી સપ્ટેમ્બરમાં ગુજરાતમાં વરસાદ પડશે. તારીખ 3થી 10માં હળવો વરસાદ પડશે તો ક્યાંક ભારે વરસાદ પણ પડી શકે છે. તો 10 સપ્ટેમ્બરથી 20મી સુધી ભારે વરસાદ પડશે. 10થી 14 વચ્ચે અરબ સાગર અને બંગાળની ખાડીમાં પ્રેશર બનતા વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે. તથા ભારે પવન પણ ફૂંકાઈ શકે છે.
આ મજબૂત સિસ્ટમના કારણે ઉત્તર-મધ્ય ગુજરાતના વિસ્તાર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. તો તારીખ 10મી બાદ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે. જે લો પ્રેશરમાં ફેરવાશે જેના કારણે રાજ્યના ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડશે. આ સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરી છે.