કાલથી બેસતું મઘા નક્ષત્ર વરસશે તો 21 ઓક્ટોબર સુધી પડતો રહેશે વરસાદ! – Magha Nakshatra starts
દરેક ઋુતુમાં નક્ષત્રોનું વિશેષ મહત્વ છે. નક્ષત્ર જોઈને પણ નિષ્ણાતો અનુમાન લગાવતા હોય છે કે, આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે. ચોમાસામાં ખાસ નક્ષત્રો જોવામાં આવે છે. જેના પરથી વરસાદનું તારણ કાઢતા હોય છે. ચોમાસામાં મઘા નક્ષત્રનું વિશેષ મહત્વ છે. મઘા નક્ષત્રમાં જો વરસાદ થાય તો તેનું પાણી ઉત્તમ ગણાય છે. મઘા નક્ષત્રમાં વરસાદનું પાણી કૃષિ પાક અને સ્ટોર કરવા માટે પણ સારું ગણાય છે. આનું પાણી ગંગા સમાન ગણાય છે. મધા નક્ષત્ર અંગે કહેવત છે કે, જો વરસે મઘા તો થાય ધાન્યના ઢગલા. મઘા વરસાદથી ધરતી ધરાય જાય છે. એટલે મઘા નક્ષત્ર વરસે તો પાછળના ચાર નક્ષત્ર પણ થોડા ઘણા વરસે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 17 ઓગસ્ટથી મઘા નક્ષત્ર બેસે છે અને વરસાદ થવાનું અનુમાન છે. જો મઘા વરસે તો પૂર્વા ફાલગુની, ઉતરા ફાલગુની, હસ્ત અને ચિત્રા નક્ષત્ર પણ થોડા ઘણા વરસે છે. મઘા નક્ષત્ર વરસે તો 21 ઓક્ટોબર સુધી થોડા ઘણા વરસાદની શક્યતા રહેશે. જોકે, પછી વરસાદ થવાનું હવામાનની સ્થિતિ પર હોય છે.
મઘા નક્ષત્ર 17 ઓગસ્ટે બપોરે 1 કલાક અને 33 મિનિટે બસશે. જ્યારે અન્ય ચાર નક્ષત્રની વાત કરીએ તો, પૂર્વ ફાલ્ગુની 31 ઓગસ્ટ 2023 સવારે 9 કલાક 33 મિનિટે બેસશે. ઉતરા ફાલ્ગુની 14 સસ્ટેમ્બર 2023ના રોજ રાતના 3 કલાક અને 27 મિનિટથી શરુ થશે. જ્યારે હસ્ત નક્ષત્ર 27 સપ્ટેમ્બર 2023ના રોજ સાંજે 6 કલાક અને 57 મિનિટે બેસશે. ચિત્રા નક્ષત્ર 11 ઓક્ટોબર 2023ના રોજ સવારે 8 કલાક અને 11 મિનિટે બેસશે. તેમજ, 18 ઓગસ્ટે મંગળ કન્યા રાશિમાં આવે છે. શુક્રનો ઉદય થાય છે. એટલે વરસાદ થાય અને 18 ઓગસ્ટ પહેલા 24 કલાકમાં વરસાદી ઝાપટા પડવાના શરુ થશે.
બીજી બાજુ, રાજ્યમાં સારા વરસાદની રાહ જોવાઈ રહી છે. કોઈ મજબુત વરસાદી સિસ્ટમ ન હોવાને લીધે 16 દિવસ સારો વરસાદ થયો નથી. હવે કૃષિ પાકને પાણીની જરૂર છે, ત્યારે ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે અને સારા સમાચાર આપ્યા છે. તેમણે આગામી 72 કલાકમાં વરસાદની ગતિવિધિઓ તેજ થવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં હવે વરસાદની ગતિવિધિઓ તેજ થશે. કંઈક અંશે સારો વરસાદ આવવાની શક્યતા છે. આગામી 24 કલાકમાં વરસાદી ઝાપટા પડવાના શરૂ થશે. 20 ઓગસ્ટના સુધીમાં વરસાદની ધરી નીચે આવશે. મધ્યપ્રદેશમાં વરસાદી વહન આવશે. જેના કારણે ગુજરાતમાં વરસાદ થશે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, 20 ઓગસ્ટ સુધીમાં કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. ઉતર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે. જેમાં હિમતનગર અને સાબરકાંઠાના ભાગોમાં વરસાદની શક્યતા છે. જ્યારે મધ્ય ગુજરાતના પંચમહાલના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. આંણદ, નડીયાદ, ખેડા કપડવજ, પેટલાદના કેટલાક ભાગમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે ગોધરા, પંચમહાલના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ગાંધીનગર, અમદાવાદના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે.