હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની વરસાદ અંગે મહત્વની આગાહી, શું આગામી સમયમાં બારેમેઘ ખાંગા થશે? -Paresh Goswami
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વરસાદ અંગે મહત્વની આગાહી કરી છે. તેમણે હાલના હવામાન તથા આગામી સમયમાં આવનારા વરસાદ અંગે વાત કરી છે. મહત્વનું છે કે પાછલા કેટલાક દિવસોથી વરસાદ વિરામ લીધો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થયા બાદ રાજ્યમાં હળવા વરસાદી ઝાપટાં થઈ રહ્યા છે. હવામાન વિભાગે પણ પાંચ દિવસની શુક્રવારે કરેલી આગાહીમાં હાલ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી નથી. એક તરફ ખેડૂતો ચિંત છે કે જો પિયત કરીએ અને પછી વરસાદ આવે તો તેમના પાકને નુકસાન થઈ શકે છે, આ મુદ્દે પણ પરેશ ગોસ્વામીએ મહત્વની વાત કરીને ખેડૂતોને સલાહ આપી છે. નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગામી સમયમાં વરસાદની શું સ્થિતિ રહેશે તે અંગે પણ કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરી છે.
જુલાઈ મહિનામાં રાજ્યભરમાં વરસાદ જોવા મળ્યા પછી ઓગસ્ટ માસમાં વરાપની સ્થિતિ છે. હાલ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છે અને ભેજ પણ છે. ભેજના કારણે કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે છે. પરેશ ગોસ્વામી જણાવે છે કે રાજ્યમાં 18 ઓગસ્ટ સુધી મોટા વરસાદની સંભાવનાઓ નથી. આવામાં તેમણે ખેડૂતોને મહત્વની સલાહ આપીને પાક સૂકાતો હોય તો પિયત કરી દેવું જોઈએ.
હાલ જે વાદળછાયું વાતાવરણ છે તેમાં 13 ઓગસ્ટથી વધારો થવાની શક્યતાઓ પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. તેમણે આ પાછળનું કારણ પાકિસ્તાનના અમુક ભાગ પર બનેલા સાઈક્લોનિક સર્ક્યુલેશન ગણાવ્યું છે. વાદળો ઘેરાવાથી વરસાદ તૂટી પડવા જેવો માહોલ સર્જાશે પરંતુ ભારે વરસાદ થવાની કોઈ સંભાવનાઓ નથી. આ દરમિયાન રાજ્યના કેટલાક ભાગમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. તેમણે જણાવ્યું કે, 13 અને 14 ઓગસ્ટ દરમિયાન ઘાટા વાદળો જોવા મળશે.
આ સાથે તેમણે જણાવ્યું કે, જે વિસ્તારમાં વરસાદી છાંટા થશે તેનાથી ખેડૂતોને કોઈ લાભ થવાનો નથી. જે પાકને પાણીની જરુર હોય તો પિયત કરી દેવું જોઈએ તે ખેડૂતોના હીતમાં રહેશે, આ છાંટાના ભરોશે રહેવું નહીં, તેવું પરેશ ગોસ્વામી જણાવે છે. પવનની વઘુ ગતિ હતી તે હવે સામાન્ય થઈ રહી છે. 18 ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતાઓ ન હોવાનું પણ પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે.
નિષ્ણાત આગળ જણાવે છે કે, વરસાદની આગાહી નથી શક્યતાઓ છે. 18થી 21 ઓગસ્ટ દરમિયાન રાજ્યના ઘણાં જિલ્લાઓમાં વરસાદ થાય તેવી શક્યતાઓ છે. એક લો પ્રેશર બનવાનું છે અને તે બન્યા પછી જ પાક્કો અંદાજ આવશે કે રાજ્યમાં તેના કારણે કેટલો વરસાદ થવાની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતથી કેરળ સુધીનો ઓફશોર ટ્રોફ હોય છે તે પણ 18 તારીખથી પોઝિટિવ ફેઝમાં જોવા મળી શકે છે.
બંગાળની ખાડીનું લો પ્રેશર બનીને ઉત્તર-પશ્ચિમ તરફ ગતિ કરશે. ચોમાસાની ધરી હાલ ઉત્તર ભારતમાં હિમાલયની તળેટી તરફ ખસી ગઈ છે. જે પણ નીચે આવશે. આ સમગ્ર પરિબળોના કારણે 18થી 21 ઓગસ્ટ તારીખ દરમિયાન ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે છે. જોકે, લો પ્રેશર બન્યા બાદ તેની કેવી અસર થશે તે અંગે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.